Posts

પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવા અને આનુષાંગિક ફેરફાર કરવાની જોગવાઈઓ


https://youtu.be/qHvwY54kI6k?si=gGuT-sx4ezykO03_

લોકાભિમુખ માર્ગદર્શન : - એચ.એસ. પટેલ IAS (નિ.)

- ''સર્વે નંબરોના બિનખેતીના પ્લોટના પ્રોપર્ટીકાર્ડ આપવાના નિર્ણયનું વાસ્તવિક અમલીકરણ જરૂરી''

જમીન / મિલ્કત ધારણકર્તાઓના આધારભુત મહેસૂલી દસ્તાવેજો જનપ્રચલિત ભાષામાં તેમજ કાનુની જોગવાઈઓ પ્રમાણે નમુના નં.૭માં કબજેદાર તરીકે અને સીટી સર્વે વિસ્તારમાં મિલ્કત રજીસ્ટરના આધારે આપવામાં આવતું મિલ્કત કાર્ડનું મહત્વ છે. જમીન મહેસૂલ અધિનિયમમાં સર્વે સેટલમેન્ટ ગામતળ અને સીટી સર્વે વિસ્તારો અંગે કાનુની જોગવાઈઓ છે. ગામતળમાં આવેલ મિલ્કતોના ૭/૧૨ નિભાવવામાં આવતા નથી તેજ રીતે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૧૨૬ હેઠળ સીટી સર્વે વિસ્તાર જાહેર થાય ત્યારે હક્કચોક્સી કરીને મિલ્કત રજીસ્ટર તૈયાર કરીને પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવે છે અને જે વિસ્તારમાં સીટી સર્વે જાહેર થયું હોય અને રેકર્ડ પ્રમાણિત જાહેર થાય એટલે ખેતવિષયક સિવાયના ૭/૧૨ બંધ કરવામાં આવે છે.


રાજ્ય સરકારે ૨૦૧૦માં જમીન મહેસૂલ અધિનિયમમાં સુધારો કરી પ્રકરણ-૧૦કમાં જોગવાઈ કરવામાં આવી છે કે, જે સર્વે નંબરોનું બિનખેતી થાય ત્યારબાદ સીટી સર્વે જાહેર થાય કે ન થાય તો પણ પ્રોપર્ટી કાર્ડ બનાવવું, આની પાછળનો આશય એ છે કે બિનખેતી સર્વે નંબરોમાં જે પ્લોટો પડે છે તેના વેચાણ વ્યવહારો વધુ થાય છે અને જ્યારે તબક્કાવાર સીટી સર્વે પણ દાખલ કરવામાં આવે તો હક્કચોક્સી કર્યા સિવાય આ તમામ પ્લોટ ધારકોને મિલ્કત રજીસ્ટરમાં ચઢાવી શકાય. સાથે સાથે એ પણ આશય છે કે બિનખેતીધારો સબંધિત પ્લોટ ધારક પાસેથી મહેસૂલ વસુલ લેવા માટે ગામનો નમુના નં.૨ પણ અદ્યતન થાય. આ ઉપરાંત જે બિનખેતીના સર્વે નંબરો હોય તેમાં પ્લાનીંગ પ્રમાણે જાહેર હેતુના પ્લોટ, રસ્તા વિગેરેને પણ અલગ પ્રોપર્ટીકાર્ડ નંબર આપવાનો હોવાથી, આવા પ્લોટો કે રસ્તાના હક્કો ડુબાડવામાં ન આવે તે માટે આવા પ્લોટોનો કાર્યવાહી ઉપર રોક (Freeze) લગાવવામાં આવે છે, જેથી બિનઅધિકૃત વેચાણ કે દબાણ ન થાય.


રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે કાયદામાં સુધારો કર્યા બાદ તા.૧૯-૧૨-૨૦૧૪ના ઠરાવ ક્રમાંક - બીજીટી-૧૧-૨૦૧૪-૨૦૧૭-હ અન્વયે વિગતવાર માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવી છે અને તે અંતર્ગત આ ઠરાવની જોગવાઈઓનો અમલ માટે રાજ્યના સેટલમેન્ટ કમિશ્નરને જવાબદારી સુપ્રત કરવામાં આવી છે તે અનુસાર જીલ્લાના ડી.આઈ.એલ.આર. દ્વારા જ્યારે કલેક્ટરશ્રી તરફથી બિનખેતીની પરવાનગી આપવામાં આવે ત્યારે તેની માપણી કરી, દુરસ્તી કરવાની છે અને આવા સર્વે નંબરોના ૭ કમી કરવાના છે. સાથે સાથે લે આઉટમાં કે બાંધકામ પરવાનગીમાં જે પ્લોટ દર્શાવવામાં આવ્યા હોય તે પ્રમાણે પેટા હિસ્સા બતાવવાના છે. પહેલાં તો જે વ્યક્તિએ જે સર્વે નંબરની બિનખેતી કરાવી હોય તે કબજેદારોના નામ મિલ્કત કાર્ડ દર્શાવવાના છે અને આ રેકર્ડ ડી.આઈ.એલ.આર. (ડિસ્ટ્રીક ઈન્સપેક્ટર આફ લેન્ડ રેકર્ડ) દ્વારા તૈયાર કરવાનું છે અને જીલ્લાના સુપ્રિટેન્ડન્ટ ઑફ લેન્ડ રેકર્ડસ (એસ.એલ.આર.) દ્વારા પ્રમાણિત જાહેર કરવાનું છે અને આ રીતે પ્રમાણિત થયેલ પ્રોપર્ટીકાર્ડને જમીન દફતર નિયામકશ્રી મેપીંગ કરેલ કચેરીઓ જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૧૦ક મુજબ નિભાવણીમાં લાવવા અને તેમાં ફેરફાર કરવાની કામગીરી કરવાની છે.

જે સર્વે નંબરો બિનખેતીમાં ફેરવાયા છે પરંતુ જે કૉમ્પ્યુટરાઈઝ ડેટા બેઝમાં બિનખેતીની નોંધ પડેલ ન હોય તેવા કિસ્સાઓમાં ડી.આઈ.એલ.આર. દ્વારા જે કમીજાસ્તી તરીકે દુરસ્તી કરવામાં આવી હોય તે આધારે સબંધિત સર્વે નંબર / પ્લોટ નંબરની ડેટા એન્ટ્રી કરીને પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાનું છે અને તે આધારે ડી.આઈ.એલ.આર.એ ખાત્રી કરી પ્રમાણિત કરવાનું છે અને આ અંગેની તબક્કાવાર નોંધમાં ફેરફાર કરવાની કાર્યવાહી સબંધિત વિસ્તારના કલ્સ્ટર મેઈન્ટન્સ સર્વેયર દ્વારા કરવામાં આવશે. જે નવા સર્વે નંબરોનું બિનખેતીમાં રૂપાંતર થાય તેનો હુકમ કલેક્ટરશ્રી તરફથી મળ્યા બાદ તેની માપણી કરી અને તેના આધારે કે જેથી (કમી જાસ્તીપત્રક) તૈયાર કરી અને તે ઈ ધરા કેન્દ્રમાં મોકલવાનું છે અને તે આધારે સિસ્ટમ દ્વારા નવું પ્રોપર્ટીકાર્ડ જનરેટ થશે અને જેમાં જે સર્વે નંબર હોય તેને સીટી સર્વેનો પ્રોપર્ટીકાર્ડ નંબર આપવાનો થાય છે અને બિનખેતીના પ્લાન મુજબ અને જો પેટા હિસ્સા પ્લોટ તરીકે બતાવેલ હોય તો તે મુજબ પ્રોપર્ટીકાર્ડ બનાવવાના થાય છે.

રાજ્ય સરકારના આ નિર્ણયનો અમલીકરણમાં વિરોધાભાસ એ થાય કે, હવે બિનખેતીની પરવાનગી કલેક્ટર દ્વારા આપવામાં આવે છે, જ્યારે બાંધકામ પરવાનગી સબંધિત મહાનગરપાલિકા / નગરપાલિકા / શહેરી વિકાસ સત્તા મંડળ અથવા તો ગ્રામ પંચાયત આપે છે એટલે જ્યાં જ્યાં સીટી સર્વે વિસ્તાર કે ગામતળ નથી, ત્યાં બિનખેતીના હુકમ સાથે સબંધિત સત્તા મંડળની બાંધકામ પરવાનગીમાં જે નકશો સક્ષમ સત્તા મંડળ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હોય તે મુજબ ડી.આઈ.એલ.આર. દ્વારા અમલ કરી પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવે તો વિસંગતતા ઉભી થાય નહિ અને હવે સમગ્ર રાજ્યમાં જ્યારે બાંધકામ પરવાનગીના નિયમો કોમન જીડીસીઆર અમલમાં લાવવામાં આવ્યા છે ત્યારે તે મુજબ અમલ કરવાની સુચનાઓ આપવી જરૂરી છે. રાજ્ય સરકારે સમગ્ર ગામતળની જમીનોના પણ પ્રોપર્ટીકાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ વાસ્તવિક રીતે અમલ થયો નથી. તેજ રીતે આ નિયમોની જોગવાઈઓ મુજબ પણ ફક્ત બિનખેતીની નોંધ કરવામાં આવે છે. પરંતુ પ્રોપર્ટીકાર્ડ આપવામાં અને તબક્કાવાર નોંધો પાડવાની કાર્યવાહી સંપૂર્ણપણે થતી નથી.

Post a Comment